ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં નેપાળ અને નેધરલેન્ડ બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી ટીમો સામે ચોંકાવનારા પરિણામ આપી શકે છે.
નેપાળ અને નેધરલેન્ડને બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની સાથે ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યા છે. ગિલક્રિસ્ટનું માનવું છે કે નેપાળની ટીમ ઈન્ટરનેશનલ લેવલ પર રમવાના કારણે ઘણી મજબૂત બની છે.
ગિલક્રિસ્ટે શનિવારે SEN રેડિયોને કહ્યું, “હું માનું છું કે નેપાળ એક એવી ટીમ છે જે સારું પ્રદર્શન કરી શકે છે.” તેમની પાસે કેટલાક એવા ખેલાડીઓ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી મોટી લીગમાં સતત રમી રહ્યા છે.”
જોકે, નેપાળને વર્લ્ડ કપ પહેલા મોટો ફટકો પડ્યો છે કારણ કે તેનો લેગ સ્પિનર સંદીપ લામિછાને યુએસ વિઝા ન મળવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. નેધરલેન્ડની ટીમે 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ખળભળાટ મચાવ્યો હતો અને ગિલક્રિસ્ટનું માનવું છે કે આ ટીમને હરાવવાનું આસાન નહીં હોય.
તેણે કહ્યું, “નેધરલેન્ડની ટીમ હંમેશા પડકાર રજૂ કરે છે અને તેઓ ફરીથી દક્ષિણ આફ્રિકા જેવા જ જૂથમાં છે. ગત વર્લ્ડ કપમાં તેણે એડિલેડમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું અને આ વખતે પણ તે અપસેટ સર્જી શકે છે.”