ન્યૂઝીલેન્ડ સામેની T20 ત્રિકોણીય શ્રેણી દરમિયાન પાકિસ્તાનને 9 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ શરમજનક હાર સાથે પાકિસ્તાનના ખાતામાં એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો હતો.
કેપ્ટન બાબર આઝમ, નંબર 1 ટી-20 બેટ્સમેન મોહમ્મદ રિઝવાન જેવા બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા હતા અને સમગ્ર પાકિસ્તાની ઇનિંગ્સ દરમિયાન એક પણ સિક્સર ફટકારી ન હતી. છેલ્લાં આઠ વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે પાકિસ્તાને T20 ઈન્ટરનેશનલ મેચમાં એક પણ સિક્સર ફટકારી ન હતી. આ પહેલા 2014માં દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આવું બન્યું હતું.
20 ઓવરમાં પાકિસ્તાનની ટીમ સાત વિકેટે 130 રન જ બનાવી શકી હતી. આ મેચ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે 131 રનનો ટાર્ગેટ 16.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ ત્રિકોણીય શ્રેણીની ત્રીજી ટીમ છે. કિવી બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાની બેટ્સમેનો લાચાર દેખાતા હતા અને નવ બેટ્સમેનમાંથી એકેય સિક્સર ફટકારી નહોતી.
T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની આ છેલ્લી T20 સિરીઝ છે અને ટીમ હજુ પણ એવું લાગે છે કે બેટિંગ ઓર્ડરનો મુદ્દો ઉકેલાયો નથી.