ચાહકોને ટેસ્ટ અને વનડે કરતાં ટી-20 ફોર્મેટ જોવું વધુ ગમે છે. તેમાં મારવામાં આવેલ ચોગ્ગા અને છગ્ગા દર્શકોને સૌથી વધુ આકર્ષે છે.
આવી જ ઘટના 10 ઓગસ્ટના રોજ રમાયેલી ધ હન્ડ્રેડ મેન્સ ટુર્નામેન્ટ દરમિયાન જોવા મળી હતી. મેચમાં સધર્ન તરફથી રમતા કિરોન પોલાર્ડે એક ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી. એ પણ નોંધનીય છે કે પોલાર્ડે ટી20 ક્રિકેટમાં બીજી વખત આ સિદ્ધિ મેળવી છે. જોકે, દુનિયામાં માત્ર 3 બેટ્સમેનો છે જેમણે T20 ક્રિકેટમાં એક ઓવરમાં 2 બાર 5 અથવા વધુ છગ્ગા મારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આ 3 બેટ્સમેનોએ T20 ક્રિકેટમાં બે વખત એક ઓવરમાં 5 કે તેથી વધુ સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
1. કિરોન પોલાર્ડ:
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડ બે વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. 2021માં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં તેણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા. પોલાર્ડે અકિલા ધનંજયને પોતાનો શિકાર બનાવ્યો હતો. 2024માં ધ હન્ડ્રેડ મેન્સ ટુર્નામેન્ટમાં, પોલાર્ડે રાશિદ ખાન સામે શાનદાર બેટિંગ કરી અને એક ઓવરમાં સતત 5 સિક્સ ફટકારી.
2. દીપેન્દ્ર સિંહ એરી:
આ યાદીમાં નેપાળના ઓલરાઉન્ડર દીપેન્દ્ર સિંહ એરીનો સમાવેશ થાય છે. જમણા હાથના બેટ્સમેને 2023માં મંગોલિયા સામેની મેચમાં 10 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા, જેમાં 8 સિક્સર સામેલ હતી. તેણે નેપાળની ઇનિંગ્સની 19મી ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. દીપેન્દ્રએ 2024માં કતાર સામે રમાયેલી મેચમાં બીજી વખત આ સિદ્ધિ મેળવી હતી. તે મેચમાં તેણે છ બોલમાં સતત 6 સિક્સર ફટકારી હતી.
3. ડેવિડ મિલર:
સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે 2014માં રામસ્લેમ ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત આ કારનામું કર્યું હતું. ડોલ્ફિન્સ તરફથી રમતા તેણે ટાઇટન્સ સામે 37 બોલમાં અણનમ 93 રન બનાવ્યા હતા. તે મેચમાં મિલરે વેન ડેર મર્વે સામે એક ઓવરમાં 34 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સિક્સ અને એક ફોરનો સમાવેશ થતો હતો.
મિલરે 2017માં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી T20 મેચમાં બીજી વખત આ સિદ્ધિ મેળવી હતી. શ્રેણીની બીજી મેચમાં, મિલરે 36 બોલમાં 101* રનની ઇનિંગ રમી હતી. મિલરે મોહમ્મદ સૈફુદ્દીન સામે એક ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી.