ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આઉટ ઓફ ફોર્મ ફાસ્ટ બોલર હર્ષલ પટેલનું સમર્થન કરતા કહ્યું કે, આ ઝડપી બોલર માનસિક રીતે મજબૂત છે અને તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી.
ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયેલા હર્ષલ પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણી માટે ટીમમાં પરત ફર્યા છે. જોકે મુખ્ય કોચનું માનવું છે કે વધુ રન ખર્ચ્યા પછી પણ તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં કેટલાક સારા સ્પેલ કર્યા હતા.
રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હર્ષલ ખરેખર માનસિક રીતે મજબૂત ક્રિકેટર છે અને તે એક તેજસ્વી ક્રિકેટર પણ છે. છેલ્લા બે વર્ષમાં તેનું પ્રદર્શન જુઓ. તે એકદમ અસાધારણ ખેલાડી રહ્યો છે. તે જે ફ્રેન્ચાઈઝીમાં રમે છે અને ભારતીય ટીમ માટે પણ તેણે ખરેખર સારા સ્પેલ કર્યા છે. તે ખરેખર સારી તૈયારી કરી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે.
દ્રવિડે વધુમાં કહ્યું કે, “તે ઈજા બાદ ટીમમાં પાછો ફર્યો છે અને તેને ટીમમાં એડજસ્ટ થવામાં થોડો સમય લાગે છે. હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે તેણે શાનદાર છેલ્લી ઓવર ફેંકી હતી.”