ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગની પ્રશંસા કરી હતી. કોહલીના અણનમ 82 રનની મદદથી ભારતે ICC T20 વર્લ્ડ કપ 2022ની તેની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું.
ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનને ઝિમ્બાબ્વે સામે પણ 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બે હાર બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની ઐતિહાસિક જીત અંગે વાત કરતા બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે સતત બે હાર બાદ પડોશી દેશ માટે અંતિમ ચારમાં સ્થાન મેળવવું મુશ્કેલ હશે.
બિન્નીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું, “તે સારી વાત છે કે જુનિયર ટીમો આગળ આવી રહી છે. આ T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડે આ સાબિત કર્યું છે. તમે હવે નાની ટીમોને હળવાશથી લઈ શકતા નથી. તેઓ તમને સરળતાથી હરાવી શકે છે. મને લાગે છે કે પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ હશે. જો આવું થાય તો તે મારા માટે ખૂબ જ આનંદની વાત હશે, પરંતુ ક્રિકેટ એક મજાની રમત છે. તમને ખબર નથી, તેમાં ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે.
બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાનની ટીમને રવિવારે એટલે કે આજે નેધરલેન્ડ સામે તેની ત્રીજી મેચ રમવાની છે. 2009ની ચેમ્પિયન પાકિસ્તાન સુપર-12ના ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડથી માત્ર ઉપર છે. આ સાથે જ આ ગ્રુપમાં સામેલ રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા સતત બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમને આજે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી મેચ રમવાની છે.