ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહ્યો છે અને હવે આ પછી આગામી T20 વર્લ્ડ કપ 2024માં રમાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ આ મેગા ઇવેન્ટની વચ્ચે સોમવારે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી.
આ દરમિયાન ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ મીડિયાના સવાલોના જવાબ આપ્યા, પરંતુ એક સવાલ તેમને બહુ ગમ્યો નહીં. ટી20 વર્લ્ડ કપ 2022 પછી ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી20 અને વન-ડે ઈન્ટરનેશનલ સીરીઝ રમવાની છે અને તે પછી બાંગ્લાદેશમાં વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. જ્યારે ચેતન શર્માને એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2024 T20 વર્લ્ડ કપનો ભાગ હશે, તો તેમના જવાબમાં તેમની નારાજગી સ્પષ્ટ થઈ ગઈ.
ચેતન શર્માએ જવાબમાં કહ્યું, ‘તમે કેવી રીતે આશા રાખી શકો કે મુખ્ય પસંદગીકાર ટૂર્નામેન્ટની વચ્ચે કોઈ ખેલાડી સાથે વાત કરે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને મોટા ખેલાડી છે, તેથી હું તેમની સાથે આ વિશે વાત કરી શકતો નથી.
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને T20 વર્લ્ડ કપ 2022 રમી રહ્યા છે, પરંતુ તેઓ 2024 સુધી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે કે કેમ તે તો સમય જ કહેશે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022માં ત્રણમાંથી બે મેચ જીતી છે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે તેને બાકીની બંને મેચ જીતવી પડશે. ભારતે તેની આગામી મેચ 2 નવેમ્બરે એડિલેડમાં બાંગ્લાદેશ સામે રમવાની છે.