સૂર્યકુમારની શાનદાર ઇનિંગને કારણે ભારતે મંગળવારે ત્રણ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ 5 બોલ રમીને રિટાયર્ડ હર્ટ થતા પહેલા રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીને એક ખાસ રેકોર્ડના મામલામાં પાછળ છોડી દીધો છે.
રોહિત શર્માએ કેપ્ટન તરીકે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ મેચ પહેલા રોહિત અને કોહલીના ખાતામાં 59-59 છગ્ગા હતા. પરંતુ રોહિતે ત્રીજી મેચમાં સિક્સર ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્રીજી T20Iમાં ઇનિંગ્સની બીજી ઓવરમાં, રોહિતે અલઝારી જોસેફના બોલ પર સિક્સર ફટકારી. તે જ ઓવરના ચોથા બોલ પર, રોહિત પીઠમાં ખેંચાણને કારણે 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
24 કલાકની અંદર સતત બીજી મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સારી શરૂઆત છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 164 રન જ બનાવી શકી હતી.