T-20

T20I ક્રિકેટમાં રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આવું કામ કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે કેપ્ટન તરીકે વિદેશી ધરતી પર પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે. આ મેચ જીતીને રોહિત શર્માએ ટી-20 સિરીઝમાં શાનદાર શરૂઆત કરવાની સાથે સાથે એક એવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો જે તેના પહેલા કોઈ કેપ્ટન બનાવી શક્યો ન હતો.

જ્યારથી રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો નિયમિત કેપ્ટન બન્યો છે ત્યારથી તે આ મેચ સુધી એક પણ T20 મેચ હાર્યો નથી, જે એક રેકોર્ડ છે.

ટી20 વર્લ્ડ કપ 2021 થી, તેણે ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સામે ટી20 સીરીઝ રમી છે અને તેની કેપ્ટનશીપમાં ટીમ એક પણ મેચ હારી નથી. હવે વિદેશની ધરતી પર પણ કેપ્ટન તરીકે તેણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં પણ જીત મેળવી હતી. આ જીત સાથે, રોહિત શર્માએ પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 13 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બનવાનું ગૌરવ હાંસલ કર્યું.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે આ વર્ષે સતત આ બધી જીત મેળવી છે. બીજી તરફ, જો આપણે ઓવરઓલની વાત કરીએ તો, કેપ્ટન બન્યા પછી, તેણે 18 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે અને ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર્યું નથી.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 198 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 50 રનથી હારી ગઈ હતી. હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શને ભારતીય ટીમની જીતમાં શાનદાર ફાળો આપ્યો હતો. તેણે પહેલા 51 રન બનાવ્યા અને પછી ટીમ માટે ચાર મહત્વની વિકેટ લીધી.

Exit mobile version