T-20

મોહમ્મદ શમીના સમર્થનમાં આવ્યા સચિન તેંડુલકર, કહી આ મોટી વાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની હાર બાદ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં કેપ્ટન કોહલી સિવાય ટીમના કોઈપણ ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું ન હતું. એટલા માટે ટીમ આટલી ખરાબ રીતે હારી છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો મોહમ્મદ શમીના પરફોર્મન્સને તેના ધર્મ સાથે જોડીને ટ્રોલ કરી રહ્યા છે. જ્યારે ક્રિકેટ જગતે શમી સાથેની આ ઘટનાની સખત નિંદા કરી છે.

તમને જણાવી દઈએ કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ મોહમ્મદ શમીના સમર્થનમાં આવ્યા છે. તેણે ટ્વીટ કર્યું કે જ્યારે અમે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરીએ છીએ, ત્યારે અમે દરેક વ્યક્તિને સપોર્ટ કરીએ છીએ જે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે વધુમાં કહ્યું કે મોહમ્મદ શમી એક પ્રતિબદ્ધ, વિશ્વ કક્ષાનો બોલર છે.

ગઈકાલની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મોહમ્મદ શમી ભારતનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 3.5 ઓવરમાં 43 રન આપ્યા, તેને કોઈ સફળતા મળી ન હતી.

Exit mobile version