T-20

આજે શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ, અફઘાન માટે ‘કરો યા મરો’

Pic- mykhel

શ્રીલંકા અફઘાનિસ્તાન સામે જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ ટેસ્ટ બાદ વનડે શ્રેણીમાં પણ અફઘાનિસ્તાનને ક્લીન સ્વિપ કર્યું હતું. હવે ટેસ્ટ અને વનડે જીત્યા બાદ શ્રીલંકા પાસે ટી-20 સિરીઝ પણ જીતવાની શાનદાર તક છે.

બીજી તરફ અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. અફઘાનિસ્તાનની ટીમને ત્રણ મેચની T-20 શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સિરીઝમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાને કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.

19 ફેબ્રુઆરીની રમાનારી મેચ અફઘાનિસ્તાન માટે કરો યા મરો સાબિત થવા જઈ રહી છે. જો અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા સામેની આ શ્રેણી જીતવા માંગે છે તો તેને બાકીની બંને મેચ જીતવી પડશે. અફઘાનિસ્તાનના બેટ્સમેન ઉપરાંત ટીમના બોલરો અને ઓલરાઉન્ડરોએ પણ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

પીચ રિપોર્ટ:
પિચની વાત કરીએ તો શરૂઆતની ઓવરોમાં આ પિચ પર બેટ્સમેનોને મદદ મળવાની અપેક્ષા છે. પિચમાં ઉછાળાને કારણે બેટ્સમેન અહીં શરૂઆતમાં સરળતાથી શોટ રમી શકે છે. જો કે, જેમ-જેમ બોલ જૂનો થશે તેમ-તેમ બેટ્સમેનો માટે શોટ રમવાનું વધુ મુશ્કેલ બનશે. બાદમાં આ પીચ સ્પિન બોલરોને મદદ કરશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

હવામાન રિપોર્ટ:

શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચમાં વરસાદની સમસ્યા થઈ શકે છે. કારણ કે હળવા વરસાદની સંભાવના છે જે શરૂઆતના કલાકોમાં મેચને અસર કરી શકે છે. તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. બંને ટીમોના T20 રેકોર્ડની વાત કરીએ તો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 T20 મેચ રમાઈ છે. શ્રીલંકાની ટીમે આમાંથી 4 મેચ જીતી છે. જ્યારે બે વખત અફઘાનિસ્તાનની ટીમ મેચ જીતવામાં સફળ રહી છે.

Exit mobile version