ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19 ડિસેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 60 રનથી હરાવીને મેચ અને શ્રેણી બંને જીતી લીધી હતી. ભારતે આ શ્રેણી 2-1થી જીતી હતી. આ ત્રીજી T-20 મેચમાં સ્મૃતિ મંધાનાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 28 વર્ષીય ડાબોડી બેટ્સમેને મહિલા ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને 47 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રનની તોફાની ઇનિંગ રમી હતી.
77 રનની આ ઇનિંગ સાથે મંધાનાએ મહાન મિતાલી રાજનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. હવે મંધાના દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. મિતાલીએ ફેબ્રુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીમાં ભારત માટે 192 રન બનાવ્યા હતા, જ્યારે મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીની ત્રણ મેચમાં 193 રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાના – 193 વિ વેસ્ટ ઈન્ડિઝ (2024)
મિતાલી રાજ – 192 વિ દક્ષિણ આફ્રિકા (2018)
જેમિમાહ રોડ્રિગ્સ – 191 વિ શ્રીલંકા (2018)
સ્મૃતિ મંધાના – 180 વિ ન્યુઝીલેન્ડ (2019)
હરમનપ્રીત કૌર – 171 વિ વેસ્ટ ઈન્ડિઝ (2016)
સ્મૃતિએ T20 શ્રેણીની ત્રણેય મેચોમાં ભારત માટે અડધી સદી ફટકારી હતી અને આ સાથે તે મહિલા T20માં સૌથી વધુ 50+ રન બનાવનારી ખેલાડી પણ બની હતી. તેણે ન્યૂઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેન સુઝી બેટ્સનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ હાંસલ કર્યો છે. મંધાનાએ અત્યાર સુધી રમાયેલી 148 T20 મેચોમાં 30 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જ્યારે બેટ્સે 171 T20 મેચોમાં 29 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે.