ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પોતાના સમયના ધમાકેદાર બેટ્સમેન કૃષ્ણમાચારી શ્રીકાંતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર આકરા પ્રહારો કર્યા છે. સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે T20 ઈન્ટરનેશનલ મેચમાં રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.
પ્રથમ મેચમાં સૂર્યાએ 16 બોલમાં 24 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. જો કે સૂર્યા ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને ત્રીજા કે ચોથા નંબર પર રમે છે, પરંતુ કેએલ રાહુલની ગેરહાજરીમાં તે ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે. શ્રીકાંતનું માનવું છે કે આ રીતે સૂર્યકુમાર યાદવનો આત્મવિશ્વાસ નીચે જઈ શકે છે.
ફેન કોડ પર બીજી મેચની શરૂઆત પહેલા શ્રીકાંતે કહ્યું, ‘સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2022માં નંબર 4 પર બેટિંગ કરવા માટે શ્રેષ્ઠ ખેલાડી છે. તો તમે શા માટે ઇચ્છો છો કે તે ઇનિંગ્સની શરૂઆત કરે? જો તમે ઈચ્છો છો કે કોઈ બેટ્સમેન ઈનિંગ્સની શરૂઆત કરે તો શ્રેયસ અય્યરને ડ્રોપ કરીને ઈશાન કિશનને ટીમમાં જગ્યા આપો. સૂર્યકુમાર જેવા ખેલાડીને બગાડો નહીં.
શ્રીકાંત પહેલા મોહમ્મદ કૈફ પણ સૂર્યકુમારની ઇનિંગને લઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ભારતે ઈંગ્લેન્ડમાં ઋષભ પંત સાથે દાવની શરૂઆત કરી હતી, ત્યારે ઈશાન કિશન ડગઆઉટમાં બેઠો છે.