ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગુરુવારે T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 રાઉન્ડમાં નેધરલેન્ડ સામે તોફાની ઇનિંગ રમી હતી.
સૂર્યાએ માત્ર 25 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પોતાની ઇનિંગ દરમિયાન બે ખાસ રેકોર્ડ બનાવ્યા.
જ્યારે સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 84/2 હતો. અહીંથી સૂર્યાએ વિરાટ કોહલી (62*) સાથે ત્રીજી વિકેટ માટે 95 રનની અણનમ ભાગીદારી કરીને ભારતીય ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો, જેણે આ વર્ષે અત્યાર સુધીમાં 825 રન બનાવ્યા છે. સૂર્યાના 867 રન છે.
ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવની આ પ્રથમ અડધી સદી હતી. જો કે, સૂર્યકુમાર યાદવ એક જ વર્ષમાં 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે પાંચ T20 ઈન્ટરનેશનલ અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અન્ય કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી.
200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૂર્યાની અડધી સદી:
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 31 બોલમાં 65 રન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ 55 બોલમાં 117 રન
હોંગકોંગ વિરુદ્ધ 26 બોલમાં 68*
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 22 બોલમાં 61 રન
નેધરલેન્ડ વિરુદ્ધ 25 બોલમાં 51*
