ICCએ T20 ક્રિકેટમાં ધીમી ઓવર રેટ માટે દંડનો નિયમ પણ રજૂ કર્યો છે. હવે T20માં પણ જે ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી નહીં કરી શકે તેને દંડ ફટકારવામાં આવશે.
ICCનો આ નવો નિયમ વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે સબીના પાર્કમાં રમાનારી મેચથી લાગુ થશે. આ મેચ 16 જાન્યુઆરીએ રમાશે. ICCનો આ નવો નિયમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર 2022 T20 વર્લ્ડ કપમાં પણ લાગુ થશે.
આ સાથે ICCએ T20 શ્રેણીમાં દરેક ઇનિંગ્સની મધ્યમાં ડ્રિંક્સ બ્રેકની જોગવાઈ પણ કરી છે. આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે લાવવામાં આવ્યો છે. હવે બંને દેશો વચ્ચેની ટી-20 સિરીઝ દરમિયાન દરેક દાવ વચ્ચે પાણી અને આરામ કરવાનો નિશ્ચિત સમય રહેશે. જોકે, તે ખેલાડીઓ પર નિર્ભર રહેશે કે તેઓ આ બ્રેક લેવા માંગે છે કે નહીં.
આઈસીસીના નવા નિયમો અનુસાર, જો કોઈ ટીમ નિર્ધારિત સમયની અંદર તેની છેલ્લી ઓવર શરૂ નહીં કરે, તો તે સમય પછીની તમામ ઓવરોમાં બોલિંગ કરનાર ટીમે ત્રીસ યાર્ડની ત્રિજ્યામાં એક વધારાનો ફિલ્ડર રાખવો પડશે. આનો અર્થ એ થયો કે નિર્ધારિત સમય પછી ફેંકવામાં આવતી તમામ ઓવરોમાં માત્ર ચાર ફિલ્ડર જ બાઉન્ડ્રી લાઇનની નજીક હશે અને બેટિંગ કરનાર ટીમને વધુ રન બનાવવાની તક મળશે. આનાથી છેલ્લી ઓવર ફેંકનારા બોલરો માટે મુશ્કેલી પડશે અને તેમના બોલ પર વધુ રન બનાવવાના ચાન્સ રહેશે.
T20 ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવા માટે આ સૂચન ICC ક્રિકેટ કમિટીએ આપ્યું હતું. અગાઉ આ નિયમ ધ હન્ડ્રેડ લીગ ઓફ ઈંગ્લેન્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં નિર્ધારિત સમય બાદ થયેલી તમામ ઓવરોમાં માત્ર ચાર ફિલ્ડર જ બાઉન્ડ્રી લાઇનની નજીક રહ્યા હતા. આ સાથે બે દેશો વચ્ચેની ટી-20 શ્રેણીમાં દરેક દાવ વચ્ચે અઢી મિનિટનો બ્રેક લઈ શકાય છે. જો કે, બંને ટીમોએ સીરીઝની શરૂઆત પહેલા તેનો અમલ કરવો કે નહીં તે નક્કી કરવાનું રહેશે. આ નિયમ ફરજિયાત નથી.

