યુનાઇટેડ સ્ટેટ્સ અને આયર્લેન્ડ વચ્ચેની બે T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણીની પ્રથમ મેચ 22 ડિસેમ્બરે લોડરહિલ ખાતે રમાઈ હતી. મેચમાં યુએસએની ટીમ પલટવાર કરીને ઈતિહાસ રચવામાં સફળ રહી હતી.
આ મેચમાં અમેરિકાએ આયર્લેન્ડને 26 રને હરાવ્યું હતું. ટેસ્ટ રમતા દેશ સામે યુએસએની આ પ્રથમ જીત છે. ગજાનંદ સિંહે અમેરિકાને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 42 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
બંને દેશો વચ્ચે રમાયેલી આ મેચમાં અમેરિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 186 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. યુએસ માટે સુશાંત મોદાનીએ શાનદાર બેટિંગ કરતા 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. આ પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા ગજાનંદ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું, તેણે બેટિંગ કરતા 42 બોલમાં 65 રનની ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેણે ત્રણ ફોર અને પાંચ સિક્સર ફટકારી હતી. જોકે, આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થી અને માર્ક એડેરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
જીત માટે 187 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 162 રન બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે લોર્કન ટકર સૌથી સફળ બેટ્સમેન હતો. તે 49 બોલમાં 57 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની ટૂંકી ઇનિંગ્સ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. આયર્લેન્ડના સ્કોરકાર્ડ પર નજર કરીએ તો પોલ સ્ટર્લિંગ 31, લોર્કન ટકર 57, કર્ટિસ કેમ્ફર 17 અને શેન ગેટકેટ 19 રન બનાવવામાં સફળ રહ્યા હતા. અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકર, અલી ખાન અને નિસર્ગ પટેલે 2-2 વિકેટ લીધી હતી.

