UAE અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં એક પણ મેચ ન હારનાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.
આ અંગે ટીમના બેટિંગ સલાહકાર મેથ્યુ હેડને જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કાંગારૂઓ સામે પાંચ વિકેટથી હાર્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા, પરંતુ કટ્ટર હરીફ ભારત સામેની શરૂઆતની મેચમાં ડ્રેસિંગ રૂમનું વાતાવરણ તદ્દન અલગ. પાકિસ્તાને સેમિફાઇનલ પહેલા ગ્રુપ સ્ટેજમાં તેની તમામ મેચો જીતી લીધી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેને હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો, મેથ્યુ વેડે 19મી ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારીને ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.
હેડને બોલિંગ કોચ વર્નોન ફિલેન્ડર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘મને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જોઈને આશ્ચર્ય થયું નથી, કારણ કે જ્યારે તમે દિલથી રમો છો અને તમે હારી જાઓ છો ત્યારે આવું જ થાય છે. જ્યારે તમે અપેક્ષાઓ સાથે મેચમાં જાવ અને કોઈ કારણસર પરિણામ સારું ન આવે, ત્યારે હૃદય કેવું તૂટી જાય છે તે દેખાતું હતું.
ખેલાડીઓ સંપૂર્ણપણે નિરાશ દેખાતા હતા. હેડને ટી-20 ટુર્નામેન્ટ માટે જ બેટિંગ સલાહકાર બનાવવામાં આવ્યો હતો. હેડને કહ્યું કે તેણે ભારત સામેની શાનદાર જીત દરમિયાન સંપૂર્ણપણે અલગ પાકિસ્તાની ટીમ જોઈ હતી.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનરે કહ્યું, “ભારત સામેની પ્રથમ મેચ અને બહારના ખેલાડી તરીકે જોતાં, ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હતું, ખેલાડીઓ ખૂબ જ શાંત, ખૂબ જ હળવા, ખૂબ સંતુલિત દેખાતા હતા.

