IPL 2023ની બુધવારે 36મી મેચમાં કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેને વર્તમાન ક્રિકેટમાં તમામ ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કેમ માનવામાં આવે છે.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ઓપનિંગ કરવા આવેલા કોહલીએ 37 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો હતો.
વિરાટ કોહલી કોઈપણ એક મેદાન પર 3000 T20 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીના નામે 3015 રન છે. કોહલીએ આ સાથે બાંગ્લાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ પહેલા એક જ મેદાનમાં સૌથી વધુ T20 રન બનાવવાનો રેકોર્ડ મુશ્ફિકુર રહીમના નામે હતો. શેરે બાંગ્લા સ્ટેડિયમમાં તેણે કુલ 2989 T20 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ હવે આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગ્રાઉન્ડ પર સૌથી વધુ T20 રન બનાવનારા બેટ્સમેન:
1. વિરાટ કોહલી – 3015 (ચિન્નાસ્વામી સ્ટેડિયમ)
2. મુશ્ફિકુર રહીમ – 2989 (શેરે બાંગ્લા સ્ટેડિયમ)
3. મહમુદુલ્લાહ – 2813 (શેરે બાંગ્લા સ્ટેડિયમ)
4. એલેક્સ હેલ્સ – 2749 (ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ)
5. તમીમ ઈકબાલ – 2706 (શેરે બાંગ્લા સ્ટેડિયમ)
IPL 2023માં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા નંબર પર આવી ગયો છે. તેણે અત્યાર સુધીમાં IPL 2023ની 8 મેચમાં 333 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં તે બીજા સ્થાને પહોંચી ગયો છે.