T-20

શું ન્યૂઝીલેન્ડ સામે હાર્દિક પંડ્યાનું સ્થાન ઇશાન કિશન લેશે? આકાશ ચોપરાએ આપ્યો જવાબ

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત ભારતીય ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહી હતી અને ટીમને તેની પહેલી જ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હોય. હવે ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થવાની છે. ભારતીય ટીમ માટે આ કરો યા મરો મેચ હશે.

પાકિસ્તાન સામે ભારતીય ટીમના પ્લેઈંગ 11 પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને દરેકનું માનવું હતું કે હાર્દિક પંડ્યાને પ્લેઈંગ 11માં સ્થાન આપવાનો નિર્ણય બિલકુલ ખોટો હતો. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે હાર્દિકની સાથે જશે કે પછી ઈશાન કિશનને તક આપવા અંગે વિચારશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર એક યુઝરના સવાલના જવાબમાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે તેમના મતે ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય યોગ્ય નથી. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, જો ઈશાનને અંતિમ અગિયારમાં રાખવામાં આવશે તો તે રોહિત સાથે ઓપનિંગ કરશે અને આ સ્થિતિમાં કેએલ રાહુલને ચોથા નંબર પર ઉતરવું પડશે. આ સાથે સૂર્યકુમારના બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થશે અને તે છઠ્ઠા નંબરે સરકી જશે, આવી સ્થિતિમાં બેટિંગ ક્રમમાં ઘણા ફેરફારો થશે, તો હાર્દિકની જગ્યાએ ઈશાન વધુ સારો વિકલ્પ નહીં હોય.

ભારતે ન્યુઝીલેન્ડ સામે છ-બેટ્સમેન અને પાંચ-બોલરની ફોર્મ્યુલાને વળગી રહેવું જોઈએ અને મેચના પરિણામના આધારે ઘણા ફેરફારો કરવાનું ટાળવું જોઈએ.

Exit mobile version