ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તાજેતરની ICC T20 બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. સૂર્યકુમાર યાદવે 2 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં 76 રન બનાવ્યા હતા અને તેનાથી તેને રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વચ્ચે હવે માત્ર બે રેટિંગ પોઈન્ટનું અંતર છે. બાબર આઝમ T20 બેટિંગ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન યથાવત છે. સૂર્યકુમારે તાજેતરની રેન્કિંગમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામને પાછળ છોડી દીધા છે.
બાબર આઝમના 818 રેટિંગ પોઈન્ટ છે જ્યારે સૂર્યકુમારના 816 રેટિંગ પોઈન્ટ છે. ટોપ 10 T20 બેટ્સમેનોમાં અન્ય કોઈ ભારતીય નથી. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન પાંચમા નંબર પર યથાવત છે.
Suryakumar Yadav moves to number 2 in the ICC T20 batsman ranking.
— Johns. (@CricCrazyJohns) August 3, 2022
ઈશાન કિશન 14માં નંબર પર છે જ્યારે કેપ્ટન રોહિત શર્મા પણ 16માં નંબર પર છે. લોકેશ રાહુલ પણ ટોપ-20 બેટ્સમેનોમાં સામેલ છે, જે 20માં સ્થાને યથાવત છે. શ્રેયસ ઐય્યરે એક સ્થાન ગુમાવ્યું છે અને તે 24માં સ્થાનેથી 25માં સ્થાને સરકી ગયો છે. વિરાટ કોહલી પણ એક સ્થાનના નુકસાન સાથે 28મા નંબર પર પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવે તાજેતરના ભૂતકાળમાં T20 ઇન્ટરનેશનલમાં જોરદાર બેટિંગ કરી છે અને તેની અસર તેના રેન્કિંગ પર પણ જોવા મળી છે. સિરીઝની છેલ્લી બે મેચ બાદ સૂર્યકુમાર યાદવ બાબર આઝમને પણ પાછળ છોડી શકે છે.