ICC T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે. બંને ટીમો હવે યજમાન તરીકે આ ટુર્નામેન્ટ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. દુબઈમાં રવિવારે મળેલી આઈસીસીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રથમ વખત T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. ICCએ આ જાણકારી આપી. અમેરિકાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમશે.
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2024માં 20માંથી 12 ટીમોને સીધી એન્ટ્રી મળશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની ટોપ-8 ટીમો તેમજ બે યજમાન દેશો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો સમાવેશ થાય છે. બાકીની બે અન્ય ટીમો આ વર્ષે 14 નવેમ્બર સુધી ટોચની રેન્કિંગ ટીમોના આધારે નક્કી કરવામાં આવશે.
જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટોપ-8માં સ્થાન મેળવવામાં સફળ રહેશે તો રેન્કિંગમાં ટોપ-2ને બદલે ટોપ-3 ટીમોને રમવાની તક મળશે. વિશ્વ કપમાં બાકીની અન્ય આઠ ટીમો પ્રાદેશિક ક્વોલિફાયરના આધારે નક્કી કરવામાં આવશે. એશિયા, આફ્રિકા અને યુરોપની ટોચની બે ટીમો વર્લ્ડ કપમાં રમશે, જ્યારે અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિકમાંથી એક-એક ટીમને ભાગ લેવાની તક મળશે.