ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. યુઝવેન્દ્ર ચહલે તેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ માટે રમી હતી, છેલ્લી સિઝન સુધી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ હતો.
ચહલે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ત્રણ વિકેટ સાથે તેણે T20 ક્રિકેટમાં 250 વિકેટનો આંકડો પણ સ્પર્શી લીધો હતો.
ચહલ પહેલા માત્ર પીયૂષ ચાવલા, આર અશ્વિન અને અમિત મિશ્રા જ ભારત માટે આવું કરી શક્યા છે. ચહલે આ કારનામું 226મી T20I મેચમાં કર્યું હતું. ચહલે આ વિકેટ હરિયાણા, ભારત, મુંબઈ ઈન્ડિયન્સ, RCB અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે લીધી છે. ચહલે અભિષેક શર્મા, અબ્દુલ સમદ અને રોમારિયો શેફર્ડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
શેફર્ડની વિકેટ લેતાની સાથે જ તેણે T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી. T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે, જેણે 574 વિકેટ લીધી છે. ઈમરાન તાહિર 451 વિકેટ સાથે બીજા નંબર પર છે. પીયૂષ ચાવલાએ ભારત માટે સૌથી વધુ ટી20 વિકેટ લીધી છે. ચાવલાએ કુલ 270 ટી20 વિકેટ લીધી છે જ્યારે આર અશ્વિનના ખાતામાં 264 ટી20 વિકેટ છે.