બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેના ટેસ્ટ કેપ્ટનના નામની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ત્રીજી વખત ટીમની આ જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર અને ખરાબ પ્રદર્શનને કારણે મોમિનુલ હકે ટેસ્ટ ટીમના સુકાની પદ પરથી હટી જવાનો નિર્ણય લીધો હતો. તેના નિર્ણયને માન આપતા બોર્ડે તેના સ્થાને નવા કેપ્ટનની નિમણૂક કરી છે.
BCBએ અનુભવી ખેલાડી અને ઓલરાઉન્ડર શાકિબને ફરી એકવાર ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 જૂન) બોર્ડે આ માહિતી દરેક સાથે શેર કરી. શાકિબ ટીમનું નેતૃત્વ કરશે જ્યારે લિટન દાસ ઉપ-કેપ્ટન હશે. ઘરઆંગણે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકા સામે ટીમની હાર બાદ ટીમના કેપ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ શાકિબનું નામ સામે આવ્યું હતું. તે ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે અને તેની પાસે કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસને કહ્યું, “શાકિબ અને લિટન આગામી આદેશો સુધી પોતપોતાના પદ પર ચાલુ રહેશે.”
ICC દ્વારા સટ્ટાબાજી માટે પોતાનો સંપર્ક છૂપાવવા બદલ બે વર્ષનો પ્રતિબંધ મૂકાયા બાદ ટેસ્ટ કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરાયેલા શાકિબ ત્રીજી વખત ટીમનું નેતૃત્વ કરશે. 35 વર્ષીય ઓલરાઉન્ડરને 2009માં પ્રથમ વખત આ જવાબદારી સોંપવામાં આવી હતી. 2011માં ઝિમ્બાબ્વે ટીમ સાથે રમાયેલી શ્રેણીમાં હાર બાદ તેને કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. 2017માં 6 વર્ષ બાદ તેને ફરીથી ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.