શ્રીલંકા સામે ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં ટોપ 5માં સ્થાન મેળવી લીધું છે.
હવે તે છ સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર આવી ગયો છે. બેંગ્લોર ટેસ્ટમાં બુમરાહે પ્રથમ દાવમાં 5 વિકેટ સહિત 8 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં બુમરાહે ભારતમાં પ્રથમ વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે રેન્કિંગમાં પાકિસ્તાનના શાહીન આફ્રિદી, ન્યુઝીલેન્ડના કાયલ જેમિસન, નીલ વેગનર અને ટિમ સાઉથી, ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન, ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને પાછળ છોડી દીધા છે.
હવે ICCની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બે ભારતીય બોલરો, બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન અને ચોથા નંબર પર બુમરાહ સ્થાન મેળવી ચૂક્યા છે. રવિચંદ્રન અશ્વિને હવે ટેસ્ટ મેચમાં 442 વિકેટ ઝડપી છે અને હવે ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો છે. મોહમ્મદ શમીએ પણ રવિન્દ્ર જાડેજાને પછાડીને 17મું સ્થાન બનાવી લીધું છે.
ઓલરાઉન્ડરની રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને સરકી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જાડેજાએ મોહાલી ટેસ્ટમાં 9 વિકેટ લઈને નંબર વનનું સ્થાન મેળવ્યું હતું પરંતુ તે આ સ્થાન પર લાંબો સમય ટકી શક્યો નહોતો. રવિચંદ્રન અશ્વિન પણ ત્રીજા નંબરે સરકી ગયો છે.