ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ચાર મેચ રમાઈ છે. ભારતે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ 157 રને જીતીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમ હવે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
ઓવલ ટેસ્ટમાં ભારતની જીતથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેનું ટેબલ બદલાઈ ગયું છે. ભારતીય ટીમે પાકિસ્તાનને પછાડીને ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અત્યારે ભારતીય ટીમ 26 પોઈન્ટ સાથે ટોચ પર છે. આ પછી પાકિસ્તાનની ટીમ 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર વેસ્ટ ઇન્ડીઝની ટીમ છે, જેના માત્ર 12 પોઇન્ટ છે. આ પછી ઈંગ્લેન્ડની ટીમ છે, જેના ખાતામાં 14 પોઈન્ટ છે પરંતુ તેમ છતાં તે જીતની ટકાવારીના આધારે નીચે છે.
ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે, આઇસીસીએ નક્કી કર્યું હતું કે ટીમોને તેમના પોઈન્ટના આધારે નહીં પણ જીતની ટકાવારીના આધારે ક્રમાંક આપવામાં આવશે. આ આધારે, સૌથી વધુ જીતની ટકાવારી ધરાવતી ટીમોએ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. હાલમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં, ભારતીય ટીમને 4 ટેસ્ટમાં 2 જીત, એક હાર અને એક મેચ ડ્રો સાથે 54.14 ટકા જીત ટકાવારી અંક મળ્યા છે.

