TEST SERIES

આકાશ ચોપરા: ભુવનેશ્વર કુમાર આફ્રિકાનો હોત તો અત્યારે આટલી વિકેટ લઈને નિવૃત્ત થયો હોત

ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે બે વખત હરાવ્યું છે. ગત ઉનાળામાં ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ લીડ મેળવી હતી.

ફાસ્ટ બોલરોએ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને ભારત 1-0થી આગળ છે. બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 122 રન બનાવવાના છે અને ભારતને ફરી એકવાર તેના બોલરો પાસેથી આશા છે. આ દરમિયાન, ટેસ્ટમાં ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને લઈને મોટો દાવો કર્યો છે.

આકાશ ચોપરાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘જો ભુવનેશ્વર કુમારનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હોત તો તેણે 250+ ટેસ્ટ વિકેટ સાથે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હોત.’ મહત્ત્વની વાત એ છે કે, ટેસ્ટમાં ભારતના પેસ આક્રમણનો મુખ્ય આધાર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા છે. આ સિવાય મોહમ્મદ સિરાજે પોતાના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા છે. તેમના સિવાય ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરે જ્યારે પણ તક મળી છે ત્યારે પોતાને સાબિત કર્યું છે. ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. તેની ફિટનેસ તેને ટીમમાંથી બહાર રાખવાનું મુખ્ય કારણ છે.

ભુવનેશ્વર કુમાર મર્યાદિત ઓવરોમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર છે. ભુવનેશ્વરે તેની પ્રથમ ટેસ્ટ વર્ષ 2013માં રમી હતી. તેણે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ લીધી છે. 31 વર્ષીય ભુવીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં રમી હતી. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. બાદમાં ભુવનેશ્વર કુમારે પોતે આ વાતને નકારી કાઢી હતી.

Exit mobile version