ઉસ્માન ખ્વાજાએ ઓગસ્ટ 2019 પછી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને એવી ઇનિંગ રમી જે વર્ષો સુધી યાદ રહેશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ખ્વાજાએ 137 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
ટ્રેવિસ હેડ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની જગ્યાએ ખ્વાજાને ટીમમાં જગ્યા મળી હતી અને તેણે પણ આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ખ્વાજાની આ સદી તેમની પત્ની અને પુત્રી માટે પણ ઘણી ખાસ હતી અને આ જ કારણથી તેની ઉજવણી પણ ખાસ હતી.
સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર ખ્વાજાની પત્ની રશેલ મેક્લેલન અને પુત્રી આયેશા રાહિલ ખ્વાજા ઉસ્માનની સદી પૂરી થતાં જ આનંદથી ઉછળી પડ્યા હતા. ખ્વાજાની દીકરી માત્ર દોઢ વર્ષની છે. ખ્વાજાએ આ ઇનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પણ પૂરા કર્યા હતા. તેણે 260 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 13 ફોર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં આઠ વિકેટે 416 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજા સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. ખ્વાજા સિવાય સ્ટીવ સ્મિથે 67 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ખ્વાજાની આ 9મી સદી છે.
ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ ત્રણ મેચ જીતીને એશિઝ ટ્રોફી પહેલેથી જ જીતી ચૂક્યું છે. આ એશિઝ શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે જેમ્સ એન્ડરસન, માર્ક વૂડ અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.

