અશ્વિને ધરમશાલામાં રમાયેલી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે કારકિર્દીમાં 36મી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમે આ મેચ જીતીને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. તે બદલ અશ્વિન આઇસીસી ટેસ્ટ રંકિંગમાં અવ્વલ સ્થાને પહોંચ્યો છે.
આ ટેસ્ટમાં સદી ફટકારનાર રોહિતે બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો કર્યો છે. તે ટેબલ-ટોપર કેન વિલિયમસનથી 108 રેટિંગ પોઈન્ટ પાછળ છે.
યશસ્વી જયસ્વાલ (આઠમું, બે સ્થાન ઉપર) અને શુભમન ગિલ (20માં, 11 સ્થાન ઉપર) પણ કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા.
બુમરાહ બીજા સ્થાને સરકી ગયો છે. તે આ સ્થાન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સાથે શેર કરી રહ્યો છે. ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં હેઝલવુડે છ વિકેટ ઝડપી હતી.
સ્પિનર કુલદીપ યાદવ 15 સ્થાનના સુધારા સાથે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 16મી રેન્કિંગ હાંસલ કરવામાં સફળ રહ્યો. ન્યુઝીલેન્ડના મેટ હેનરી (છ સ્થાન ઉપરથી 12મા ક્રમે) પણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે.
ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને છે જ્યારે અશ્વિન બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ (બે સ્થાન ઉપરથી આઠમા સ્થાને) અને હેનરીએ (છ સ્થાન ઉપરથી 11મા સ્થાને) પણ તેમની રેન્કિંગમાં મોટો સુધારો કર્યો છે.
