માર્કસ આ સિઝનમાં વિક્ટોરિયા સાથે શાનદાર ફોર્મમાં હતો..
ઓસ્ટ્રેલિયા એ 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ મેદાન પર ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિલ પુકોવસ્કીની જગ્યાએ માર્કસ હેરિસનો સમાવેશ કર્યો છે. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં તેને માથામાં બોલ વાગ્યો હતો. તેનું બહાર નીકળવું એ ઓસ્ટ્રેલિયા માટેનો બીજો મોટો આંચકો છે જે શરૂઆતની જોડી અંગે પહેલેથી ચિંતિત છે. ગ્રોઇન ઈજાને કારણે ડેવિડ વોર્નર પહેલેથી જ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હેરિસને ભારત સામે રમવાનો અનુભવ છે. તેણે 2018-19માં ભારત વિરુદ્ધ રમાયેલી શ્રેણીમાં ભારતીય બોલરોનો સામનો કર્યો હતો.
જોકે ગયા વર્ષે એશિઝ બાદથી તે ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો નથી, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટૂર્નામેન્ટમાં રન કર્યા છે. 3 મેચોમાં તેણે 1 બેવડી સદી અને 2 અડધી સદી ફટકારી છે. ભારત સામે રમાયેલી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં તેણે 35 અને 25 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન પસંદગીકાર ટ્રેવર હોન્સે જણાવ્યું હતું કે, “તાજેતરના રાઉન્ડમાં થયેલી ઈજાઓને જોતા અમને ઓસ્ટ્રેલિયા ટીમમાં માર્કસ જેવા લાયકાતના ખેલાડીનો સમાવેશ કરવાની તક આપી.”

