ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ 145 વર્ષ જૂનો છે. 145 વર્ષના ઈતિહાસમાં જે ક્યારેય બન્યું ન હતું તે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે.
મેચના પાંચમા દિવસે, જ્યારે ક્રેગ બ્રાથવેટ અને તેજનારીન ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સને આગળ વધારવા માટે મેદાનમાં આવ્યા ત્યારે એક નવો અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. પ્રથમ વખત બે બેટ્સમેન એક જ ટેસ્ટ મેચમાં પાંચેય દિવસે બેટિંગ કરવા આવ્યા છે.
મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસે વરસાદના કારણે માત્ર 51 ઓવરની જ મેચ થઈ શકી હતી. બ્રેથવેઈટ અને તેજનારીન ચંદ્રપોલ 55-55 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. બીજા દિવસે વરસાદના કારણે ચાના વિરામ સુધી રમત રમાઈ શકી ન હતી. આ પછી બ્રેથવેટ અને ચંદ્રપોલ ઇનિંગ્સને આગળ વધારવા માટે ઉતર્યા હતા. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 221/0 હતો.
બ્રેથવેટ 116 અને ચંદ્રપોલ 101 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. મેચના ત્રીજા દિવસે બ્રેથવેટ 171 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ચંદ્રપોલ 207 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. જ્યારે ઝિમ્બાબ્વેએ ચોથા દિવસે 9 વિકેટે 379 રને ડિકલેર કર્યું ત્યારે બ્રેથવેટ અને ચંદ્રપોલ ફરીથી વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા અને બંને નોટઆઉટ પરત ફર્યા. પાંચમા દિવસે બંને મેદાન પર ઉતરતાની સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બની ગયો.