ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરે એશિઝ શ્રેણીની છેલ્લી ટેસ્ટ બાદ નિવૃત્તિની અટકળો પર મૌન તોડ્યું છે. ડેવિડ વોર્નરે તેની નિવૃત્તિ અંગેની અટકળોને ફગાવતા પુષ્ટિ કરી છે કે તે આવતા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું હતું કે તેણે ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ દરમિયાન સાંભળ્યું હતું કે પાંચમી એશિઝ ટેસ્ટ વોર્નરની છેલ્લી ટેસ્ટ હશે. જોકે વોર્નરે આવી અટકળોને ફગાવી દીધી હતી. Cricket.com.au એ વોર્નરને ટાંકીને કહ્યું કે હું કોઈ જાહેરાત કરવાનો નથી, જો કે પાકિસ્તાન શ્રેણી પછી ટેસ્ટ ક્રિકેટ રમીશ નહીં.
36 વર્ષીય વોર્નરે ગયા મહિને કહ્યું હતું કે, તે પાકિસ્તાન સામેની ત્રણ મેચની હોમ સિરીઝ બાદ નિવૃત્તિની જાહેરાત કરશે. તે નવા વર્ષ પર સિડનીમાં તેના ઘરઆંગણાના દર્શકોની સામે છેલ્લી ટેસ્ટ રમવા માંગે છે. વોને સ્ટીવ સ્મિથની નિવૃત્તિની સંભાવના પણ વ્યક્ત કરી હતી, જેના પર વોર્નરે કહ્યું હતું કે આ મજાક છે, હું તેને ગંભીરતાથી લેતો નથી.
એશિઝ શ્રેણી 2023માં વોર્નરને બેટથી માત્ર એક જ અડધી સદી મળી છે. તેણે લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 66 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તે બીજી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ક્રિકેટના દિગ્ગજોએ પણ વોર્નરના ખરાબ ફોર્મને લઈને સવાલો ઉઠાવ્યા છે.
36 વર્ષીય ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 108 ટેસ્ટ, 142 વનડે અને 99 ટી20 મેચ રમી છે. 108 ટેસ્ટમાં તેણે 44.46ની એવરેજથી 8403 રન બનાવ્યા છે.