
દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન ડીન એલ્ગર ટીમ ઈન્ડિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં મળેલી જીતથી ખુશ છે. તેણે વાન્ડરર્સમાં ભારત સામેની જીતને દક્ષિણ આફ્રિકાની ટીમ માટે યોગ્ય દિશામાં એક પગલું ગણાવ્યું હતું.
આ સાથે તેણે ત્રીજી ટેસ્ટ મેચને લઈને ગેમ પ્લાન વિશે જણાવ્યું. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. પ્રથમ ટેસ્ટમાં 113 રનની હારનો સામનો કર્યા બાદ, યજમાનોએ બીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરીને સાત વિકેટથી જીત નોંધાવી હતી. હવે ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી રમાશે.
અગાઉ, પ્રોટીઝ કેપ્ટન ડીન એલ્ગરે કહ્યું હતું કે હજુ પણ સુધારાની જરૂર છે, પરંતુ ટીમ ત્રીજી ટેસ્ટ માટે પોતાની ગેમ પ્લાનમાં વધારે ફેરફાર કરશે નહીં. સ્પોર્ટ્સ 24 સાથે વાત કરતાં તેણે કહ્યું, “તે એક સકારાત્મક પગલું છે અને તેમાં કોઈ શંકા નથી કે તે સાચી દિશામાં એક પગલું છે. હવે અમારા માટે પડકાર અલગ હશે અને ખેલાડીઓ તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે તે મહત્વનું રહેશે.
એલ્ગરે બીજી ઈનિંગમાં અણનમ 96 રન બનાવ્યા અને તેની ટીમને શાનદાર જીત તરફ લઈ જવા માટે રસી વાન ડેર ડુસેન અને ટેમ્બા બાવુમા સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. કેપ્ટનને લાગે છે કે આ જીત અંતિમ ટેસ્ટ પહેલા ‘સાપેક્ષ રીતે બિનઅનુભવી ટીમ’નો આત્મવિશ્વાસ વધારશે. “અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ અને આનાથી ટીમના ઘણા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે. અમારી પાસે પ્રમાણમાં બિનઅનુભવી ટીમ છે અને અમે હજુ પણ જાણીએ છીએ કે બધું અમારી તરફેણમાં જશે નહીં.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમાશે. આવી સ્થિતિમાં એલ્ગરને લાગે છે કે પ્રોટીઝ ટીમમાં સુધારાની જગ્યા છે.
