ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચે ધર્મશાલા મેદાનમાં રમાશે. અત્યાર સુધી આ સીરીઝમાં રમાયેલી 4 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 3માં જીત મેળવી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે.
આ સિરીઝમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું બેટ ખૂબ જ સારું બોલતું જોવા મળી રહ્યું છે જેમાં તેણે 8 ઇનિંગ્સમાં 655 રન બનાવ્યા છે. આ સાથે, જયસ્વાલ હવે ધર્મશાલામાં 29 રન બનાવ્યા બાદ પોતાના બેટથી વધુ એક મોટી સિદ્ધિ કરી શકે છે.
યશસ્વી જયસ્વાલે તેની ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે, જેમાં તેણે 15 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 69.36ની એવરેજથી 971 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. જેમાંથી જયસ્વાલ બે વખત બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.
જયસ્વાલ તેના 1000 ટેસ્ટ રનથી માત્ર 29 રન દૂર છે અને જો તે ધર્મશાલા ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ થશે તો તે ચેતેશ્વર પૂજારાનો રેકોર્ડ તોડી નાખશે. પુજારાએ પોતાના 1000 ટેસ્ટ રન પૂરા કરવા માટે 18 ઇનિંગ્સ લીધી હતી. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે, જેમણે 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેનઃ
વિનોદ કાંબલી – 14 ઇનિંગ્સ
ચેતેશ્વર પુજારા – 18 ઇનિંગ્સ
મયંક અગ્રવાલ- 19 ઇનિંગ્સ
સુનીલ ગાવસ્કર- 21 ઇનિંગ્સ