TEST SERIES

ઈન્ટરવ્યુ દરમિયાન રોહિત શર્મા થયો ભાવુક, કહ્યું- ક્યારેય વિચાર્યું ન હતું

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને એક દાવ અને 222 રને હરાવીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

પૂર્ણકાલીન કેપ્ટન તરીકે રોહિતની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી અને તેણે પોતાની ‘ડેબ્યૂ’ મેચમાં જ ઈતિહાસ રચ્યો હતો. રોહિત કેપ્ટન તરીકે પોતાની ડેબ્યુ મેચમાં ઇનિંગ્સમાં જીત નોંધાવનાર અત્યાર સુધીનો બીજો ભારતીય કેપ્ટન છે. તેના પહેલા પોલી ઉમરીગરે 1956માં આ સિદ્ધિ મેળવી હતી. પ્રથમ ટેસ્ટ મેચ બાદ રોહિતે તાજેતરમાં BCCI ટીવી પર એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો.

રોહિતે બીસીસીઆઈ ટીવીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રોહિતને ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે, જે ડે નાઈટ ટેસ્ટ મેચ હશે. ભારતીય કેપ્ટને કહ્યું, ‘ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવી અને આ યાદીનો ભાગ બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મેં તેના વિશે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

કેપ્ટનશિપ સિવાય હિટમેન રોહિતે પોતાના નિર્ણયોથી પણ ચાહકોનું દિલ જીતી લીધું હતું. મોહાલી ટેસ્ટ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હતી. તેણે આ મેચમાં 45 રન બનાવ્યા હતા. કોહલીની ઐતિહાસિક મેચને વધુ ખાસ બનાવવા માટે, રોહિતે વિરાટ માટે ગાર્ડ ઓફ ઓનર રાખવાનું નક્કી કર્યું.

Exit mobile version