TEST SERIES

ઈંગ્લેન્ડના કોમેન્ટેટર માઈકલ વોનને થયો કોરોના, એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ રદ્દ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ ટેસ્ટ સિરીઝમાં પણ કોરોના વાયરસની મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર માઈકલ વોન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોનાને કારણે તેણે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી છે. તે એશિઝ સિરીઝમાં કોમેન્ટ્રી કરવા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો. આ શ્રેણી 8મી ડિસેમ્બરથી શરૂ થશે.

માઈકલ વોને પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે, “કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવાને કારણે મારે ઓસ્ટ્રેલિયાની મારી ફ્લાઈટ આવતા સપ્તાહ સુધી સ્થગિત કરવી પડી હતી. જો હું ત્યાં પહોંચીશ તો બંને ટીમોની જેમ મારી તૈયારી પણ નબળી રહેશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. આ સિરીઝ 8 ડિસેમ્બરથી શરૂ થશે અને સિરીઝની છેલ્લી મેચ 18 જાન્યુઆરીએ ખતમ થશે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યો છે. તેણે પોતાનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમયનો વિરામ લીધો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેન વિવાદોમાં ફસાયા બાદ ઝડપી બોલર પેટ કમિન્સને ટીમની કમાન સોંપવામાં આવી છે.

માઈકલ વોન અગાઉ જાતિવાદને લઈને વિવાદોમાં રહ્યો હતો. અઝીમ રફીકે આરોપ લગાવ્યો હતો કે 2009માં તેના પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને માઈકલ વોન પણ તેમાં સામેલ હતો. 

 

Exit mobile version