
ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી પર કબજો કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઇનિંગ્સ અને 14 રનથી જીતીને ટેસ્ટ શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ હાર ઇંગ્લેન્ડને લાંબા સમય સુધી ડંખશે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને માત્ર અઢી દિવસમાં જ ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે બીજા દાવમાં સ્કોટ બોલેન્ડે શાનદાર બોલિંગ કરીને માત્ર ચાર ઓવરમાં સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનો બીજો દાવ માત્ર 68 રનમાં સમેટાઈ ગયો હતો. જો રૂટ અને બેન સ્ટોક્સ એવા બે ખેલાડી હતા જે બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 185 રનમાં સમેટાઈ ગઈ હતી. રૂટે પ્રથમ દાવમાં 50 રનનું યોગદાન આપ્યું હતું, ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પણ ખાસ કરી શક્યા ન હતા અને આખી ટીમ 267 રન જ બનાવી શકી હતી. માર્કસ હેરિસે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 82 રનની લીડ મળી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમને હારનો ખતરો હતો, પરંતુ ત્રીજા દિવસે બોલેન્ડે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ક્રિઝ પર ટકી રહેવાની તક આપી ન હતી. મિચેલ સ્ટાર્કે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. હવે એશિઝની ચોથી ટેસ્ટ મેચ 5 જાન્યુઆરીથી રમાશે.
