ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ રાવલપિંડીની પીચ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે મેચ ડ્રો થવા પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે તેને યાદ નથી કે આ રીતે ટેસ્ટ મેચ ક્યારે સમાપ્ત થઈ હતી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાવલપિંડી ટેસ્ટ ડ્રો રહી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટે 476 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 459 રન બનાવ્યા હતા. મેચના 5માં દિવસે પાકિસ્તાને બેટિંગ કરીને કોઈપણ વિકેટ વિના 252 રન બનાવ્યા હતા, ત્યારબાદ મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી.
5 દિવસ સુધી ચાલેલી આ મેચમાં માત્ર 14 વિકેટ પડી હતી. મેચ બાદ પિચને લઈને ઘણી વાતો બહાર આવી રહી હતી. હવે આ વિવાદમાં પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યું કે લોકો પિચ વિશે ઘણી બધી બાબતો પૂછે છે કે પિચ કેવી હતી. મને લાગે છે કે આગામી મેચમાં વધુ સારી પીચ હશે જે મેચનું પરિણામ નક્કી કરશે.
તેમણે કહ્યું, આજકાલ ટેસ્ટ મેચ ડ્રો થવી ખૂબ જ વિચિત્ર છે. મને યાદ નથી કે અમે આ પ્રકારની ટેસ્ટ મેચ ક્યારે જોઈ હતી જ્યાં તમે પહેલા દિવસથી જ જાણતા હતા કે મેચ ડ્રો થવાની છે.
તેમણે ઓસ્ટ્રેલિયન ટીમની પ્રશંસા કરી અને એમ પણ કહ્યું કે જો પાકિસ્તાનની ટીમે શ્રેણી જીતવી હોય તો તેણે પોતાની તાકાત પ્રમાણે પીચ બનાવવી પડશે. બીજી ટેસ્ટ મેચ કરાચીમાં 12 માર્ચથી 16 માર્ચ સુધી રમાશે.