પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાનું માનવું છે કે વિરાટ કોહલી પાસે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવાની છેલ્લી તક છે. બીસીસીઆઈએ વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ પાછી ખેંચી લીધી હતી.
ભારતીય ટીમ ગુરુવારે સાઉથ આફ્રિકા જવા રવાના થઈ, જ્યાં તેને 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી રમાશે. કોહલી ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે અને રોહિત શર્મા વનડે ટીમનું નેતૃત્વ કરશે. વનડે શ્રેણી 19 જાન્યુઆરીથી રમાશે.
કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘વિરાટ કોહલી માટે આ પ્રવાસ ઘણો મોટો છે કારણ કે ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી. તેઓ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જીત્યા છે પરંતુ આ વખતે દક્ષિણ આફ્રિકામાં વિરાટ કોહલી માટે કેપ્ટન તરીકે શ્રેણી જીતવાની છેલ્લી તક હશે. કનેરિયાએ કહ્યું કે તે રન બનાવીને અને તેની ટીમને ટેસ્ટ શ્રેણી જીતવામાં મદદ કરીને ટીકાકારોને યોગ્ય જવાબ આપી શકે છે.
બુધવારના રોજ, વિરાટ કોહલીએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં તેની પાસેથી ODI કેપ્ટનશીપ પરત લેવા અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તેને કેપ્ટનશીપથી હટાવવાની માહિતી 8 ડિસેમ્બરની મીટિંગ બાદ આપવામાં આવી હતી. આ પહેલા તેની સાથે કોઈ વાતચીત થઈ ન હતી. તેણે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે સપ્ટેમ્બરમાં તેણે તેને સુકાનીપદ પરત ન લેવા વિનંતી કરી હતી.

