TEST SERIES

વિન્ડીઝ સામે સદી ફટકારીને ગેરી બેલેન્સે ઈતિહાસ રચ્યો, બીજો બેટ્સમેન બન્યો

ઝિમ્બાબ્વેના બેટ્સમેન ગેરી બેલેન્સે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. બેલેન્સ ટેસ્ટ ક્રિકેટમાં બે દેશો માટે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો.

બેલેન્સ ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કરતા પહેલા ઈંગ્લેન્ડ તરફથી રમ્યો હતો.

બેલેન્સે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ સદી ફટકારી છે. હવે ઝિમ્બાબ્વે માટે સદી ફટકારીને તે સંપૂર્ણપણે અલગ ક્લબનો ભાગ બની ગયો છે. આ પહેલા કેપ્લર વેસેલ્સ એકમાત્ર એવા બેટ્સમેન હતો જેણે બે દેશો માટે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. વેસેલ્સે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઝિમ્બાબ્વે તરફથી ગેરી બેલેન્સ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ડાબા હાથના બેટ્સમેને માત્ર 126 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અહીંથી, બેલેન્સે તેની ગતિ વધારી અને દિવસની રમતના બીજા સત્રમાં સદી ફટકારી. તેણે 189 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

બેલેન્સનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો હતો અને 2006માં તેણે આ દેશ માટે અંડર-19 વર્લ્ડ કપ પણ રમ્યો હતો. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ ગયો, જ્યાં તે યોર્કશાયર ક્લબ માટે રમ્યો. જાન્યુઆરી 2014માં, બેલેન્સે ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ રમી જેમાં 37.45ની એવરેજથી 1498 રન બનાવ્યા.

2017 માં, બેલેન્સને દક્ષિણ આફ્રિકા સામે નોટિંગહામ ટેસ્ટ બાદ રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે યોર્કશાયર કાઉન્ટી ક્લબના જાતિવાદ વિવાદમાં તેનું નામ સામે આવ્યું ત્યારે બેલેન્સની મુશ્કેલીઓ વધી ગઈ હતી. બેલેન્સે તેની કારકિર્દીને પાટા પર લાવવા માટે ઝિમ્બાબ્વે સાથે બે વર્ષનો કરાર કર્યો.

Exit mobile version