TEST SERIES

ICC ટેસ્ટ રેન્કિંગઃ જો રૂટ અને પંતને ફાયદો, વિરાટ કોહલીને મોટો ફટકો

એજબેસ્ટન ટેસ્ટમાં ભારત સામે 378 રનના પડકારનો પીછો કરીને ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટને તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે.

જો રૂટની સાથે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે પણ પ્રથમ દાવમાં કરેલી સદીના આધારે બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં છલાંગ લગાવી છે. આ સાથે જ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને લગભગ ત્રણ વર્ષથી એક પણ સદી ન ફટકારનાર વિરાટ કોહલીને આંચકો લાગ્યો છે. તે ટોપ-10માંથી બહાર છે.

જો રૂટે તાજેતરની ICC બેટ્સમેન રેન્કિંગમાં ટોચના બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રૂટના હવે 932 રેટિંગ પોઈન્ટ્સ છે અને તે બીજા ક્રમના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનથી 44 રેટિંગ પોઈન્ટ્સ આગળ છે. આ સિવાય એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 146 રન બનાવ્યા બાદ ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે પણ ICC રેન્કિંગમાં છલાંગ લગાવી દીધી છે.

રિષભ પંત તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ લગાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંત હાલમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ટોચના બેટ્સમેન છે. અગાઉ, ઋષભ પંતે ગયા વર્ષે માર્ચ અને ઓગસ્ટ વચ્ચે તેની શ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ હાંસલ કરી હતી, જ્યારે તે બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં સાતમા સ્થાને પહોંચી ગયો હતો.

Exit mobile version