TEST SERIES

બાંગ્લાદેશને મોટો ફટકો, ઝડપી બોલરે 32 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર રૂબેલ હુસૈને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. બે વર્ષથી વધુ સમયથી ટીમની બહાર રહેલા 32 વર્ષીય બોલરે સોમવારે પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.

તેણે કહ્યું કે તે આ ફોર્મેટમાં યુવાનોને વધુ તક આપવા માંગે છે. રૂબેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં ટેસ્ટ ક્રિકેટમાંથી મારી નિવૃત્તિ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સત્તાવાર રીતે પત્ર લખ્યો છે.

તેણે લખ્યું કે ક્રિકેટનું આ લાંબુ ફોર્મેટ રાષ્ટ્રીય ટીમની પાઇપલાઇનને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. મને લાગે છે કે યુવા ઝડપી બોલરોને વધુ તક મળશે તો અમારી પાઇપલાઇન વધુ મજબૂત બનશે. રેડ બોલના ફોર્મેટમાં યુવા ખેલાડીઓને વધુ તક આપવા માટે મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

હુસૈને એ પણ સ્પષ્ટ કર્યું કે તે મર્યાદિત ઓવરોની ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે અને ઢાકા પ્રીમિયર લીગમાં રમવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું કે હું બાંગ્લાદેશ માટે 27 ટેસ્ટ રમી શક્યો, જે મારા માટે મોટી ઉપલબ્ધિ છે. લાલ બોલની ક્રિકેટ સાથેની મારી સફર દરમિયાન મને મદદ કરનારા તમામ લોકોનો હું આભારી છું અને આવનારા દિવસોમાં હું તમારા સમર્થનની આશા રાખું છું. મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ હું માનું છું કે મારી પાસે હજુ પણ ODI અને T20I ફોર્મેટમાં બાંગ્લાદેશ માટે ઘણું બધું ઑફર કરવાનું છે.

હુસૈનના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 2009માં આ ફોર્મેટમાં બાંગ્લાદેશ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 2020 સુધી 27 ટેસ્ટ મેચ રમી અને 13 વર્ષની આ સફરમાં 36 વિકેટ લીધી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/166 હતું જે ન્યુઝીલેન્ડ સામે આવ્યું હતું.

Exit mobile version