ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગાબામાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રમતના પહેલા દિવસે વરસાદના કારણે તમામ મજા બરબાદ થઈ ગઈ હતી અને માત્ર 13.2 ઓવર જ નાખી શકાઈ હતી. રમતના બીજા દિવસે વરસાદની કોઈ અસર જોવા મળી ન હતી અને દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવી લીધા હતા. આ સમયગાળા દરમિયાન ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ ભારતનો એકમાત્ર સફળ બોલર હતો.
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી આ મેચમાં જસપ્રીત બુમરાહે 25 ઓવરમાં 72 રન આપ્યા હતા. આ સિવાય તેણે 5 વિકેટ પણ લીધી હતી. આ 5 વિકેટ ઝડપીને તેણે એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. બુમરાહે ખાસ યાદીમાં ટોપ-2માં પ્રવેશ કર્યો છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર ઝડપી બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ યાદીમાં અનુભવી ભારતીય બોલર ઝહીર ખાન અને ઈશાંત શર્માને પાછળ છોડી દીધા છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12 પાંચ વિકેટ ઝડપી છે. જ્યારે ઝહીર ખાન અને ઈશાંત શર્માના નામે 11 પાંચ વિકેટ છે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ઝડપી બોલર:
1) કપિલ દેવ – 23 વખત
2) જસપ્રીત બુમરાહ – 12 વખત
3) ઝહીર ખાન – 11 વખત
4) ઈશાંત શર્મા – 11 વખત
5) જવાગલ શ્રીનાથ – 10 વખત
ભારતીય સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આ મેચમાં ભારતને બે સૌથી મોટી સફળતા અપાવી છે. જેમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથનું નામ સામેલ છે.