હાર છતાં ભારતના શાર્દુલ ઠાકુરે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. હારેલી ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર તે ત્રીજો ઝડપી બોલર બન્યો. શાર્દુલે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ દાવમાં 61 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. આ યાદીમાં કપિલ દેવ નંબર વન અને જવાગલ શ્રીનાથ બીજા નંબરે છે.
કપિલે વેસ્ટ ઈન્ડિઝ સામે 1983/84ની અમદાવાદ ટેસ્ટની એક ઈનિંગમાં 83 રનમાં નવ વિકેટ લીધી હતી, પરંતુ ભારત તે ટેસ્ટ મેચ હારી ગયું હતું. તે જ સમયે, શ્રીનાથે 1998/99માં પાકિસ્તાન સામે કોલકાતા ટેસ્ટની એક ઇનિંગમાં 86 રન આપીને આઠ વિકેટ લીધી હતી. આ ટેસ્ટમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે શાર્દુલ સાથે પણ એવું જ થયું છે.
જોહાનિસબર્ગમાં ભારતને મળેલી હાર ટીમની પ્રથમ હાર છે. આ મેદાન પર બંને ટીમો વચ્ચે છ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. આ સાથે જ ત્રણ મેચ ડ્રો રહી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર યજમાન દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે. તેણે અહીં 43 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 19માં જીત મેળવી છે.
ડીન એલ્ગર પ્રથમ આફ્રિકન કેપ્ટન છે, જેણે જોહાનિસબર્ગ મેદાન પર ભારતીય ટીમને હરાવ્યું હતું. આ પહેલા દરેક વખતે ભારતીય ટીમ અહીં મેચ જીતતી હતી અથવા તો ડ્રો કરતી હતી. આ વખતે એલ્ગરે પોતાના દમ પર ઈતિહાસ બદલી નાખ્યો છે.

