ભારતીય ક્રિકેટ ટીમે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે શ્રેણી 4-1થી જીતી લીધી હતી.
પ્રથમ દાવમાં મોટા માર્જિનથી પાછળ પડ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટ સૌથી વધુ સ્કોરર રહ્યો હતો અને તેણે 128 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. આ સિવાય જોની બેયરસ્ટોએ 31 બોલમાં 39 રન, ટોમ હાર્ટલીએ 24 બોલમાં 20 રન બનાવ્યા હતા. ટીમના છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા.
ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 5, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પ્રથમ દાવમાં 259 રનની વિશાળ લીડ મેળવી હતી. ભારત તરફથી શુભમન ગિલ (110) અને કેપ્ટન રોહિત શર્મા (103)એ શાનદાર સદી ફટકારી હતી. દેવદત્ત પડિકલ (65), યશસ્વી જયસ્વાલ (57) અને સરફરાઝ ખાને (56) અડધી સદી ફટકારી હતી. નીચલા ક્રમમાં કુલદીપ યાદવે 30 રન અને જસપ્રિત બુમરાહે 20 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ દાવમાં શોએબ બશીરે 5, જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2, કેપ્ટન બેન સ્ટોક્સે 1 વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે જેક ક્રોલી (79)ની અડધી સદીની મદદથી પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 5, રવિચંદ્રન અશ્વિને 4 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.
A victory by an innings and 64 runs 👏👏
What a way to end the Test series 🙌
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/uytfQ6ISpQ
— BCCI (@BCCI) March 9, 2024
