ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતે ઈંગ્લેન્ડની ટીમને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 434 રને મેચ જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. ઐતિહાસિક જીત નોંધાવીને ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઈંગ્લેન્ડ સામે 434 રને મળેલી જીત ટીમ ઈન્ડિયાની રનની દ્રષ્ટિએ સૌથી મોટી ટેસ્ટ જીત છે. આ પહેલા વર્ષ 2021માં ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 372 રનથી જીત મેળવી હતી, જે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હતી. જો એકંદરે જોવામાં આવે તો ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવવાના મામલે આઠમા સ્થાને પહોંચી ગઈ છે.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટેસ્ટમાં સૌથી મોટી જીત નોંધાવવાના મામલે આઠમા સ્થાને હતી. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 1976માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 425 રનથી જીત મેળવી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ હવે વેસ્ટ ઈન્ડિઝનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે વર્ષ 1928માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 675 રનથી જીત મેળવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવનાર ટીમો:
ઈંગ્લેન્ડ- 675 રન
ઓસ્ટ્રેલિયા- 562 રન
બાંગ્લાદેશ- 546 રન
ઓસ્ટ્રેલિયા- 530 રન
દક્ષિણ આફ્રિકા- 492 રન
ઓસ્ટ્રેલિયા- 491 રન
શ્રીલંકા- 465 રન
ભારત- 434 રન
વેસ્ટ ઈન્ડિઝ- 425 રન
ટેસ્ટ ક્રિકેટમાં રનના સંદર્ભમાં ભારતની સૌથી મોટી જીત:
434 વિ ઈંગ્લેન્ડ, 2024
372 વિ ન્યુઝીલેન્ડ, 2021
337 વિ દક્ષિણ આફ્રિકા, 2015
