ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે આ શ્રેણી 3-1થી કબજે કરી લીધી છે. ભારતને પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પછી ભારતે શાનદાર વાપસી કરી અને આગામી ત્રણેય મેચ જીતી લીધી. રોહિતની ટીમ જીત સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છશે. જો ભારત પાંચમી ટેસ્ટ જીતવામાં સફળ થશે તો તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના 112 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે.
ક્રિકેટના આ લાંબા ફોર્મેટની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ, હજુ સુધી માત્ર બે ટીમો બાકીની ચાર મેચ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયા બે વખત અને ઈંગ્લેન્ડે એક વખત આ કારનામું કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ 1897/98 અને 1901/02માં આમ કર્યું હતું અને ઇંગ્લેન્ડે 1912માં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ આગામી ચાર મેચોમાં વિજયનો સ્વાદ ચાખ્યો હતો. તેથી, ભારત પાસે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શ્રેણીની બાકીની ચાર ટેસ્ટ મેચ જીતનાર 112 વર્ષમાં પ્રથમ ટીમ બનવાની સુવર્ણ તક છે.
હૈદરાબાદમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી હતી. આ પછી ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ 106 રને, રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ 434 રને અને ત્યારબાદ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ પાંચ વિકેટે જીતી હતી. ભારતે ઘરની ધરતી પર તેની સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી છે અને આ શ્રેણી 22 ફેબ્રુઆરી 2013થી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે.