સૈનીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયા એ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી…
સિડની: ઝડપી બોલર નવદીપ સૈની ભારતનો 299 મો ટેસ્ટ ક્રિકેટર બનવાની તૈયારીમાં છે. ઈજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ ગુરુવારથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
પસંદગી સમિતિએ નવદીપ સૈની ઉપર વિશ્વાસ મૂક્યો હતો:
મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ચોથી ઓવર દરમિયાન ઉમેશ ઈજાગ્રસ્ત થયો હતો. શાર્દુલ ઠાકુર પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાના દાવેદાર હતો, જ્યારે ટી નટરાજનને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ મુલાકાતી પસંદગી સમિતિએ દિલ્હીના 28 વર્ષના ફાસ્ટ બોલર સૌની પર વિશ્વાસ બતાવ્યો છે.
નવદીપ સૈની જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ઝડપી બોલિંગ વિભાગનો હવાલો સંભાળશે:
હરિયાણાના કરનાલમાં જન્મેલા ઝડપી બોલર નવદીપ સૈનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેણે અત્યાર સુધીમાં સાત વનડે અને 10 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ઝડપી બોલિંગ વિભાગનો હવાલો સંભાળશે. સૈનીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયા એ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી.
સિડની ટેસ્ટ માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, રીષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની.

