ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી મેચમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત સામે શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. તેણે શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસ, લાહિરુ થિરિમાને, એન્જેલો મેથ્યુસ, નિરોશન ડિકવેલા અને લસિથ એમ્બુલડેનિયાને આઉટ કર્યા.
ભારતીય ધરતી પર આ પહેલો પ્રસંગ છે જ્યારે બુમરાહે 5 વિકેટ લીધી હોય. એટલું જ નહીં, શ્રીલંકા સામે ભારતીય ફાસ્ટ બોલરોનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહે આ મેચમાં 10 ઓવર નાંખી અને માત્ર 24 રન આપીને 5 વિકેટ લીધી. આ પહેલા ઈશાંત શર્માએ 2015માં કોલંબોમાં શ્રીલંકા સામે 54 રનમાં 5 વિકેટ લીધી હતી.
ઘણીવાર એવું જોવા મળે છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં સ્પિન બોલરોને વધુ મદદ મળે છે. ભારત પોતાની ધરતી પર આ ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી રહ્યું છે. ટીમે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લી ડે નાઈટ ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં સ્પિન બોલરોએ 19 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને 11, અશ્વિનને 7 અને વોશિંગ્ટન સુંદરને 1 સફળતા મળી હતી.
શ્રીલંકા સામે ભારતના ઝડપી બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન:
5/24 જસપ્રિત બુમરાહ બેંગલુરુ 2022
5/54 ઈશાંત શર્મા કોલંબો 2015
5/72 વેંકટેશ પ્રસાદ કેન્ડી 2001
5/72 ઝહીર ખાન મુંબઈ 2009