
અત્યંત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા અજિંક્ય રહાણેને તેના ખરાબ પ્રદર્શન છતાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. બુધવારે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અજિંક્ય રહાણેનું નામ પણ સામેલ હતું. રહાણેએ છેલ્લી ઘણી મેચોમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોઈને આશા ન હતી કે આ ખેલાડીને ટીમમાં જાળવી રાખવામાં આવશે પરંતુ તેને છેલ્લી તક આપવામાં આવી છે. જોકે, અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટન્સી પરથી હટાવીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે.
છેલ્લી 12 ટેસ્ટ મેચોમાં અજિંક્ય રહાણેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 19થી ઓછી છે. આટલું જ નહીં તેની ટેસ્ટ કારકિર્દીની સરેરાશ પણ 40થી નીચે ગઈ છે.
પીટીઆઈના અહેવાલ મુજબ રાહુલ દ્રવિડના કારણે અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયામાં જાળવી રાખવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ ઇચ્છે છે કે રહાણેને બીજી તક આપવામાં આવે. જો રહાણે સાઉથ આફ્રિકામાં પણ ફ્લોપ થશે તો આ તેની છેલ્લી સિરીઝ હશે.
જો કે રહાણેને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા મળી ગઈ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું પ્રથમ મેચ રમવું મુશ્કેલ છે. શ્રેયસ અય્યર પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને રમી શકે છે. અય્યરે તેની પહેલી જ ટેસ્ટમાં એક સદી અને અડધી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકામાં પણ નજર પૂજારા પર રહેશે.
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા – વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
