TEST SERIES

જો રૂટે બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 2 બેટ્સમેન આ કરી શક્યા

Pic- India.com

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ભારત સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. પોતાની કારકિર્દીની 31મી સદી ફટકારતા રૂટે 274 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 122 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં એક જ ટીમ સામે સૌથી વધુ અણનમ સદી ફટકારવાના મામલે રૂટ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ પાંચમી વખત છે જ્યારે રૂટે ભારત સામે ટેસ્ટમાં અણનમ સદી ફટકારી હોય.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને સ્ટીવ વોએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 5 અણનમ સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

આ ઉપરાંત આ સદી સાથે રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 19000 રન પૂરા કરી લીધા છે અને તે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ઈંગ્લેન્ડનો ક્રિકેટર છે.

રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 50 પ્લસનો સ્કોર ધરાવનાર ખેલાડી પણ બની ગયો છે. રૂટની ટેસ્ટ કારકિર્દીનો આ 91મો ફિફ્ટી પ્લસ સ્કોર છે અને તેણે 139 મેચની 254 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ યાદીમાં રૂટે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધો છે, જેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં રમાયેલી 161 મેચોની 291 ઇનિંગ્સમાં 90 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા.

નોંધનીય છે કે, શ્રેણીની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં રૂટનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ પહેલા તે 6 ઇનિંગ્સમાં માત્ર 77 રન જ બનાવી શક્યો હતો.

Exit mobile version