પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે બહાર કરી દેવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમ મેનેજમેન્ટે સરફરાઝ અહેમદને તક આપી હતી, પરંતુ હવે રિઝવાને ખુલાસો કર્યો છે કે તેણે સરફરાઝ અહેમદને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તક આપવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે તે પોતાને ટીમમાંથી બહાર રાખશે.
ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતા તેણે કહ્યું કે, “તમે મુખ્ય કોચ સકલેન મુશ્તાકને પૂછી શકો છો કે મેં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પછી શું કહ્યું હતું. હું ખૂબ જ ખુશ હતો કે સરફરાઝ અહેમદે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે પણ એવું જ ઈચ્છતો હતો. મને અંગત રીતે લાગે છે કે હું પ્રદર્શન કરી શક્યો ન હતો અને હું આગામી શ્રેણીમાં સ્થાન માટે લાયક નથી. કેટલાક ખેલાડીઓ કહે છે કે દરેક ખેલાડી આ તબક્કામાંથી પસાર થાય છે અને તમે કેટલીક મેચોમાં નિષ્ફળ થયા પછી બેન્ચ પર બેસી શકતા નથી.”
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, “મેં પોતે કોચ અને કેપ્ટનને કહ્યું કે તમે મને ડ્રોપ કરી શકો છો કારણ કે મેં પ્રદર્શન કર્યું નથી. આના સાક્ષી બે ખેલાડીઓ છે. સરફરાઝ ડોમેસ્ટિકમાં પ્રદર્શન કરી રહ્યો છે અને તેથી જ તેને તક મળવી જોઈતી હતી. તેથી જ હું સરફરાઝને સારો દેખાવ કરતા જોઈને ઘણો ખુશ હતો.”
તમને જણાવી દઈએ કે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઇનિંગ્સ રમી અને 83.75ની એવરેજથી 335 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને 3 અડધી સદી જોવા મળી હતી.